પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આગામી 25 મી ઓગસ્ટે રાજયને ચૌદસો કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ પ્રોજેક્ટ્સથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામા કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.
આ રેલ પ્રોજેકટમાં ₹537 કરોડના ખર્ચે 65 કિલોમીટર મહેસાણા-પાલનપુર રેલવે લાઇનની ડબલિંગ પરિયોજના, ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇનનું અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇનના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી ઉત્તર ગુજરાતના જીલ્લાઓને બ્રૉડગેજ લાઇન મળતા દૈનિક પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી સરળ અને ઝડપી બનશે. આ ઉપરાંત, શ્રી મોદી કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનું પણ ઉદ્ઘાટન કરશે. કટોસણ-સાબરમતી રોડ નવી ટ્રેન સેવાના કારણે પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવાની સુવિધા મળશે, તો બેચરાજીથી શરૂ થતી કાર-લોડેડ માલગાડી ટ્રેન રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને મજબૂત કનેક્ટિવિટી પ્રદાન કરશે.