પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂરે ભારતની સંરક્ષણ નીતિમાં એક નવી રેખા દોરી છે. આજે બિહારના ગયામાં અંદાજે 13 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ જાહેરસભાને સંબોધતા આ મુજબ જણાવ્યુ. શ્રી મોદીએ ગયા અને દિલ્હી વચ્ચે અમૃત-ભારત એક્સપ્રેસ તથા વૈશાલી અને કોડરમા વચ્ચે બૌદ્ધ સર્કિટ ટ્રેનને લીલી ઝંડી આપી. તેમણે ગંગા નદી પર બનેલા ઓંટ સિમરિયા પુલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-31ના ચાર-માર્ગીય બખ્તિયારપુર-મોકામા સેક્શનનું ઉદ્ઘાટન તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરોની ચાવીઓ સોંપી. આ પ્રસંગે જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું, ગયાના ઝડપી વિકાસ માટે બિહારની ડબલ એન્જિન સરકાર સતત કામ કરી રહી છે.
શ્રી મોદીએ ઉમેર્યું, આતંકવાદીઓ ગમે તે જગ્યાએ સંતાઈ જાય ભારતની મિસાઈલો તેમનો સફાયો કરશે.
પ્રધાનમંત્રી આજે સાંજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં નવા બનેલા વિભાગો પર મેટ્રો ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરશે. તેઓ જેસોર રોડ મેટ્રો સ્ટેશનથી જય હિંદ વિમાનબંદર સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. ત્યારબાદ તેઓ કોલકાતામાં પાંચ હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.