રાષ્ટ્ર આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણના ઘડવૈયાઓને યાદ કર્યા. તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષથી, ભારતનું બંધારણ લોકોને તેમના માર્ગ પર માર્ગદર્શન આપતું દીવાદાંડી રહ્યું છે.શ્રી મોદીએ ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે ભારતીય સેના દુશ્મનના કોઈપણ દુ:સાહસનો યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું કે ભારત પરમાણુ ધમકીઓ સહન નહીં કરે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સ્વતંત્રતા દિવસ એ 140 કરોડ ભારતીયોના સંકલ્પ આશા અને આકાંક્ષાઓનો ઉત્સવ છે. શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર સતત એકતાની ભાવનાને મજબૂત બનાવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આપણે સેમિકન્ડક્ટરના કામને મિશન મોડમાં આગળ ધપાવ્યું છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં મિશન ગ્રીન હાઇડ્રોજનમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.પરમાણુ ઉર્જા વધારવા દસ નવા રિએક્ટર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં પરમાણુ ઉર્જામાં દસ ગણો વધારો કરવામાં આવશે.પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલ અને ગેસ ભંડાર શોધવા મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે આ માટે નેશનલ ડીપ વોટર એક્સપ્લોરેસન મિશનની જાહેરાત કરી.પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં, દેશે કુદરતી આફતો, ભૂસ્ખલન, વાદળ ફાટવા અને અન્ય ઘણી આફતોનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારો બચાવ કામગીરી, રાહત પ્રયાસો અને પુનર્વસન કાર્ય પર સંપૂર્ણ તાકાતથી કામ કરી રહી છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સરકાર હવે ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો આધાર આત્મનિર્ભર ભારત છે અને આજે ભારત દરેક ક્ષેત્રમાં આધુનિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે.પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આગામી પેઢી માટે GST માં સુધારા કરાઇ રહ્યા છીએ. આનાથી ઉદ્યોગસાહસિકો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને શક્તિ મળશે. રોજિંદા વસ્તુઓ સસ્તી થશે અને અર્થતંત્રને વેગ મળશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના યુવાનો માટે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVY) શરૂ કરવાની જાહેરાત કરી, જેની કિંમત લગભગ એક લાખ કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ, ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા યુવાનોને સરકાર દ્વારા 15 હજાર રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ, 3 કરોડ 50 લાખ યુવાનો માટે રોજગારની નવી તકો ઉભી કરવામાં આવશે.શ્રી મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવી. લાલ કિલ્લા પર પહોંચતા પહેલા, શ્રી મોદીએ રાજઘાટની મુલાકાત લીધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
Site Admin | ઓગસ્ટ 15, 2025 10:05 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું