ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 7:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદુરે વિશ્વને ભારતની સ્વદેશી બનાવટની મિસાઇલો અને ડ્રોનની તાકાત બતાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદુર દરમિયાન મેડ ઇન ઇન્ડિયા ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાનની પોલ ખોલીને મૂકી દીધી છે. લોકસભામાં ઓપરેશન સિંદુર પર ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદુર હજુ ચાલુ છે અને પાકિસ્તાન જો દુસ્સાહસ કરશે તો તેનો મક્કમ જવાબ આપવામાં આવશે.
અગાઉ, ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગઈકાલે ઓપરેશન મહાદેવ દરમિયાન ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાસેથી ત્રણ રાઈફલ જપ્ત કરવામાં આવી હતી જેનો ઉપયોગ પહલગામ આતંકવાદી હુમલામાં કરવામાં આવ્યો હતો. શ્રી શાહે માહિતી આપી હતી કે ત્રણ આતંકવાદીઓ-સુલેમાન શાહ, જિબ્રાન અને હમઝા અફગાનીનો સફળતાપૂર્વક સફાયો કરવામાં આવ્યો હતો.
ગૃહ મંત્રીએ જણાવ્યું કે, સલામતી દળોએ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો એટલું જ નહીં, પણ તેમને મોકલનારાઓને પણ લક્ષ્ય બનાવ્યા. તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર ત્રાસવાદ સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ ધરાવે છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પહલગામ હૂમલા માટે પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે, ઓપેરશન સિંદુર દરમિયાન વિરોધ પક્ષો સરકાર સાથે ખડકની જેમ ઊભા રહ્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર પર લડવાની ઇચ્છાશક્તિનો અભાવ હોવાનો આરોપ મૂક્યો હતો.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સશસ્ત્ર દળોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે સરકાર પર જમ્મુ કાશ્મીરમાં સલામતી જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, હૂમલાની ઘટના બની ત્યારે ત્યાં સલામતી દળોનાં કોઈ જવાન નહોતા.
ચર્ચામાં ભાગ લેતા ડીએમકેના કે કણિમોઝીએ જણાવ્યું કે, પહલગામ ત્રાસવાદી હૂમલા બાદ વિરોધ પક્ષોએ સરકારને સમર્થન આપ્યું હતું. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ઓપરેશન સિંદુર દરમિયાન યુધ્ધવિરામની જાહેરાત સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને સરકારે દબાણને પગલે આ પગલું લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઓપરેશન સિંદુર દરમિયાન સશસ્ત્ર દળોની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
ભાજપના નિશિકાંત દુબેએ કહ્યું કે એનડીએ સરકાર દરેક નાગરિકને મહત્વ આપે છે અને કોઈ પણ આતંકવાદીને છોડવામાં આવશે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, POK ભારતનો ભાગ બનશે.
ડીએમકેના એ રાજાએ આક્ષેપ કર્યો હતો કે રો અને આઇબી દ્વારા આંતરિક સુરક્ષા અહેવાલ હોવા છતાં પહલગામમાં કોઈ સુરક્ષા કર્મચારી નહોતા.
રાજ્યસભામાં પણ ઓપરેશન સિંદુર પર ચર્ચા કરવામાં આવી. ચર્ચાનો પ્રારંભ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરમાં ત્રણ ત્રાસવાદીઓની હત્યા બદલ ભારતીય લશ્કર અને સલામતી દળોને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદુરનો હેતુ ત્રાસવાદીઓનાં છુપા સ્થળોનો નાશ કરીને સ્પષ્ટ સંદેશો આપવાનો હતો કે, ભારત ત્રાસવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતાં ઓપરેશન સિંદુર મુદ્દે સરકારની ટીકા કરી હતી. તેમણે માંગ કરી કે જો સલામતી ખામી હતી તો ગૃહ મંત્રી અમિત શાહે તેની જવાબદારી લેવી જોઇએ.