પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાતને ખૂબ જ સફળ ગણાવી છે. શ્રી મોદી માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુએ પણ શ્રી મોદીની મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી અને કહ્યું કે તે દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્યને નવો આકાર આપશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મુઇઝુએ પ્રધાનમંત્રી મોદીનો આ મુલાકાત માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારત માલદીવની પ્રગતિમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર બનશે.ભારત અને માલદીવ, માછીમારી, હવામાનશાસ્ત્ર, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે સહિત ઘણા ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કરીને તેમના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવી રહ્યા છે. ભારતે માલદીવના માળખાકીય વિકાસ માટે 4 હજાર 850 કરોડ રૂપિયાની નવી ક્રેડિટ લાઇનની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત, બંને દેશોએ આર્થિક સંબંધો અને દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવાના હેતુથી મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરી છે.બંને દેશોએ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે એકતા દર્શાવવા બદલ રાષ્ટ્રપતિ મુઇઝુનો આભાર માન્યો.
Site Admin | જુલાઇ 27, 2025 9:22 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાતને ખૂબ જ સફળ ગણાવી
