પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા આધ્યાત્મિક સંમેલનના મહત્વ પર ભાર મૂકતો એક લેખ શેર કર્યો છે અને તેને નશા મુક્ત ભારત તરફ એક મોટું પગલું ગણાવ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની પોસ્ટના જવાબમાં, શ્રી મોદીએ કહ્યું કે ડૉ. માંડવિયાએ વિગતવાર સમજાવ્યું છે કે કેવી રીતે યુવા આધ્યાત્મિક સંમેલન નશા મુક્ત ભારત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.માય ભારત પહેલ અંતર્ગત ‘યુવા આધ્યાત્મિક શિખર સંમેલન ‘ કાશીના પવિત્ર ઘાટ પર “વિકસિત ભારત માટે નશા મુક્ત યુવાનો” વિષય વસ્તુ પર યોજાઈ રહ્યું છે. આ સંમેલન મોદી સરકારના નશા મુક્ત ભારત અભિયાનનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય અનેક યુવાઓના નેતૃત્વવાળી પહેલ દ્વારા ડ્રગ્સના ઉપયોગને નાબૂદ કરવાનો છે.ડૉ. માંડવિયાએ તેમની પોસ્ટમાં ભાર મૂક્યો હતો કે આ સંમેલન માત્ર એક આધ્યાત્મિક સંમેલન નથી પરંતુ ડ્રગ્સ અને નશાના વ્યસન સામે રાષ્ટ્રવ્યાપી યુવા ચળવળની શરૂઆત પણ છે. તેમણે લખ્યું કે “ભારતના યુવાનો ડ્રગ્સના ભયથી મુક્ત ભવિષ્યને ઘડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.” આ કાર્યક્રમમાં યુવા નેતાઓ, આધ્યાત્મિક માર્ગદર્શકો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિકતા અને સમુદાય સહકાર દ્વારા નશાના સેવનને અટકાવવા સર્વાંગી અભિગમોની ચર્ચા કરી. પ્રધાનમંત્રીનું આ પહેલને સમર્થન , 2047 સુધીમાં વિકસિત અને નશામુક્ત ભારત બનાવવાના મિશનમાં યુવાનોને જોડવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
Site Admin | જુલાઇ 20, 2025 9:20 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા આધ્યાત્મિક શિખર સંમેલનને નશા મુક્ત ભારત તરફ એક મોટું પગલું ગણાવ્યું
