નામિબિયામાં ભારત અને નામિબિયાએ આજે ઉદ્યોગસાહસિક વિકાસ કેન્દ્રની સ્થાપના અને આરોગ્ય તથા દવા અને ઔષધ ક્ષેત્રે સહયોગ પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે C.D.R.I. અને વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધનમાં નામિબિયાને સામેલ થવા સ્વીકૃતિપત્ર રજૂ કરાયા.
નામિબિયાના પાટનગર વિન્ડહૉકના સ્ટૅટહાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નામિબિયાનાં રાષ્ટ્રપ્રમુખ નેતુમ્બો નંદી-નદૈતવાહ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરના સંવાદ બાદ કરાર કરાયા. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, તેમણે નામિબિયાનાં રાષ્ટ્રપ્રમુખ સાથેનાં સંવાદ દરમિયાન બંને દેશના સંબંધોની વ્યાપક પહેલોની સમીક્ષા કરી. તેમણે કહ્યું, ડિજિટલ ટેક્નિક, સંરક્ષણ, સલામતી, ખેતી, આરોગ્ય સેવા, શિક્ષણ અને મહત્વના ખનીજ ક્ષેત્રમાં સહકાર પર ચર્ચા થઈ.
પ્રધાનમંત્રી મોદીએ વિન્ડહૉકમાં રાષ્ટ્રીય સ્મારક હીરોઝ એકર ખાતે નામિબિયાના સંસ્થાપક સ્વર્ગીય ડૉ. સેમ નુજોમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
અમારાં સંવાદદાતા અપર્ણા ખૂંટે જણાવ્યું, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં યોગદાન બદલ શ્રી મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર “ઑર્ડર ઑફ ધ મૉસ્ટ ઍન્શિઍન્ટ વેલ્વિત્ચિયા મિરાબિલિસ”થી સન્માનિત કરાયા. નામિબિયાનાં રાષ્ટ્રપ્રમુખ ડૉ. નેતુમ્બો નંદી-નદૈતવાહે શ્રી મોદીને આ પુરસ્કાર એનાયત કર્યો. શ્રી મોદીએ આ સન્માન બદલ નામિબિયાનો આભાર વ્યક્ત કર્યો.
શ્રી મોદી નામિબિયાની સંસદને પણ સંબોધિત કરશે, જે બંને દેશ વચ્ચે વર્તમાન સંબંધમાં મહત્વની ક્ષણ હશે. શ્રી મોદીનો દક્ષિણ આફ્રિકન દેશ નામિબિયાનો આ પહેલો પ્રવાસ છે અને અંદાજે ત્રણ દાયકા બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ ત્રીજો પ્રવાસ છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશના પ્રવાસના અંતિમ તબક્કામાં આજે સવારે નામિબિયા પહોંચ્યા હતા.
Site Admin | જુલાઇ 9, 2025 7:59 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાયા