પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગોની સફળ મુલાકાત બાદ આજે સવારે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયર્સ પહોચ્યા છે. તેમની પાંચ દેશોની આ મુલાકાતનો હેતુ ગ્લોબલ સાઉથ સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવાનો છે.પ્રધાનમંત્રી મોદી આજે સાંજે આર્જેન્ટિનાના સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રીય નાયક જનરલ જોસ ડી સૈન માર્ટિનની પ્રતિમા પર પુષ્પાંજલિ આપીને તેમની મુલાકાતની શરૂઆત કરશે. ત્યારબાદ શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરાશે અને રાષ્ટ્રપતિ જેવિયર માઇલી દ્વારા તેમના સન્માનમાં આયોજિત ભોજન સમારંભ બાદ પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી અહીં પ્રતિષ્ઠિત ક્લબ બોકા જુનિયર્સના ફૂટબોલ સ્ટેડિયમની પણ મુલાકાત લેશે.આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને સહયોગના નવા માર્ગો ખોલશે તેવી આશા છે. જેમાં વેપાર અને રોકાણ, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, સંરક્ષણ અને સુરક્ષા, માળખાગત સુવિધા, ખાણકામ અને ખનિજ સંસાધનો, કૃષિ અને ખાદ્ય સુરક્ષા, ગ્રીન એનર્જી, આઇસીટી અને ડિજિટલ નવીનતા, આપત્તિ વ્યવસ્થાપન, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને લોકો-થી-લોકોના સંપર્કો જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેવાશે.પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ જેવિઅર માઇલીના આમંત્રણ પર આર્જેન્ટિનાની મુલાકાત લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ 2018માં G20 સમિટ દરમ્યાન આર્જેન્ટિનાની મુલાકાત લીધી હતી, અને છેલ્લા 57 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા આર્જેન્ટિનાની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હતી.પાંચ દેશોની મુલાકાત પહેલા પોતાના નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ આર્જેન્ટિનાને લેટિન અમેરિકામાં એક મુખ્ય આર્થિક ભાગીદાર અને G20 જૂથમાં એક ગાઢ સાથી તરીકે વર્ણવ્યું હતું. ભારત અને આર્જેન્ટિના મજબૂત સંબંધો ધરાવે છે, 2019 માં દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીને વેગ મળ્યો અને 2024 માં બંને દેશોએ રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી. સંરક્ષણ ઉત્પાદન, અવકાશ, માહિતી ટેકનોલોજી અને ડિજિટલ જાહેર માળખાગત સુવિધા જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ આર્જેન્ટિના માટે વધુ તકો પૂરી પાડી શકે છે.પ્રધાનમંત્રી મોદી તેમના પ્રવાસના છેલ્લા તબક્કામાં નામિબિયા જતા પહેલા રિયો ડી જેનેરોમાં બ્રિક્સ શિખર પરિષદમાં હાજરી આપવા માટે બ્રાઝિલ પણ જશે.
Site Admin | જુલાઇ 5, 2025 8:40 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોની ફળદાયી મુલાકાત બાદ આર્જેન્ટિના પહોંચ્યા