જૂન 13, 2025 3:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ગુજરાતની અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર આઘાતમાં છે. તેમણે કહ્યું કે આટલા બધા લોકોના અચાનક હૃદયદ્રાવક મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી અને ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશને મળ્યા, જે અકસ્માતમાં એકમાત્ર બચી ગયા હતા. વિશ્વાસે પ્રધાનમંત્રી સાથે અકસ્માત સંબંધિત પોતાના અનુભવો શેર કર્યા. શ્રી મોદીએ અકસ્માત સ્થળની પણ મુલાકાત લીધી અને ત્યાં બચાવ કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને અન્ય લોકોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બાદમાં, પ્રધાનમંત્રીએ અમદાવાદમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારના સભ્યોને પણ મળ્યા. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ પછી તેમના પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે.