મે 28, 2025 9:28 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ ધ્યેયની સરખામણી સ્વતંત્રતા ચળવળ સાથે કરતા શ્રી મોદીએ કહ્યું કે જો પાછલી પેઢીઓ 20-35 વર્ષમાં અયોગ્ય શાસકોને હાંકી કાઢી શકે છે, તો 140 કરોડ નાગરિકો પણ આગામી 25 વર્ષમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે.ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી સમારોહમા બોલતા પ્રધાનમંત્રીએ ભારતના નોંધપાત્ર આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધકોને પાછળ છોડી દેવા પર ગર્વ વ્યક્ત કર્યો. શ્રી મોદીએ ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું તેને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી ઉમેર્યું કે હવે ત્રીજા સ્થાને પહોંચવા માટે પ્રયાસો ગતિ પકડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ 2036 માં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની ભારતની મહત્વાકાંક્ષાનો પણ પુનરોચ્ચાર કર્યો. તેમણે વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે દેશની તૈયારી પર ભાર મૂક્યો. ઓપરેશન સિંદૂરના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર એ ફક્ત લશ્કરી પહેલ નથી પરંતુ દરેક ભારતીય નાગરિકની જવાબદારી છે. પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમના દૈનિક વપરાશનું મૂલ્યાંકન કરવા, વિદેશી ઉત્પાદનો ઓળખી તેની જગ્યાએ સ્થાનિક ઉત્પાદનોના વપરાશ કરવાનો અનુરોધ કર્યો. પ્રધાનમંત્રીએ આર્થિક સ્વનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સ્થાનિક ઉત્પાદન વધારવા અને સ્વદેશી ઉદ્યોગોને ટેકો આપવા માટે એક જિલ્લો, એક ઉત્પાદન વ્યૂહરચનાની હિમાયત કરી હતી.પ્રધાનમંત્રી મોદીની ગુજરાતની બે દિવસીય મુલાકાત ગઈકાલે પૂર્ણ થઈ. આ દરમિયાન શ્રી મોદીએ 82 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 5 હજાર 536 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ઉદ્ઘાટન કર્યું. સોમવારે પ્રધાનમંત્રીએ દાહોદ અને ભૂજમાં 77 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.