પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, ‘સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશક અને એકીકૃત દ્રષ્ટિકોણ તથા પરસ્પર સહયોગ પર નિર્ભર કરે છે.’ તેમણે ગ્લૉબલ સાઉથના તમામ દેશના ખાસ કરીને આરોગ્ય પડકારોથી અસરગ્રસ્ત થવાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘આને પહોંચી વળવા ભારતનો દ્રષ્ટિકોણ એક યોગ્ય, પ્રમાણભૂત અને ટકાઉ મૉડલ રજૂ કરે છે.’
પ્રધાનમંત્રી સ્વિત્ઝર્લેન્ડ જિનિવામાં યોજાયેલી વિશ્વ આરોગ્ય સભાના 78-મા સત્રને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધી રહ્યા હતા. આ સત્ર 19થી 27 મૅ સુધી યોજાયું છે. દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સરકારે દેશભરમાં આરોગ્ય અને આરોગ્ય કેન્દ્રોનું એક વિશાળ નૅટવર્ક બનાવ્યું છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય વિમા યોજના “આયુષ્માન ભારત” દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે, જેનો લાભ 58 કરોડ લોકોને મળી રહ્યો છે. તેમને નિઃશુલ્ક સારવાર પણ અપાઈ રહી છે.’
શ્રી મોદીએ ભારતની નિઃશુલ્ક ટૅલિમેડિસિન સેવા પર પ્રકાશ પાડતા કહ્યું, આમાં 34 કરોડથી વધુ સલાહ-સૂચન અપાયા છે. ટૅલિમેડિસિનના માધ્યમથી તબીબો દરેક માટે સુલભ છે. તેમણે કહ્યું, સરકારની આરોગ્ય પહેલના કારણે લોકોને ઓછા ખર્ચે સારી આરોગ્ય વ્યવસ્થા મળી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ ‘આરોગ્ય માટે એક વિશ્વ’ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું, આ વિષયવસ્તુ વૈશ્વિક આરોગ્ય માટે ભારતના દ્રષ્ટિકોણને સુસંગત છે. તેમણે વિશ્વ આરોગ્ય સંગઠન- W.H.O અને તેના તમામ સભ્ય દેશને આંતર-સરકારી એકમ સંધિના સફળ સંવાદ બદલ શુભેચ્છાઓ પણ પાઠવી. શ્રી મોદીએ કહ્યું, આ ભવિષ્યની મહામારીઓ સામે લડવા વધુ વૈશ્વિક સહકારના માધ્યમથી પરસ્પર પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
Site Admin | મે 20, 2025 7:15 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં યોજાયેલી વિશ્વ આરોગ્ય સભાને વર્ચ્યૂઅલી સંબોધિત કરી