એપ્રિલ 4, 2025 8:28 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડમાં BIMSTECની છઠ્ઠી શિખર પરિષદમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડના બેંગકોકમાં BIMSTEC ના છઠ્થી શિખર પરિષદમાં હાજરી આપશે. બેંગકોકમાં BIMSTEC એટલે કે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પરિષદનો વિષય BIMSTEC – સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને સમાવેશી છે. સમિટ દરમિયાન બેંગકોક વિઝન ડોક્યુમેન્ટ 2030 ને મંજૂરી આપવામાં આવશે અને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે BIMSTEC પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જૂથના અહેવાલને પણ મંજૂરી આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે થાઈલેન્ડની બે દિવસની મુલાકાતે બેંગકોક પહોંચ્યા. તેમણે થાઇલેન્ડના પ્રધાનમંત્રી પેથાન્થન શિનોવાત્રા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બંને નેતાઓએ પરસ્પર સહયોગના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી. રાજકીય, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી, વ્યૂહાત્મક સંબંધો, વેપાર અને રોકાણ અને લોકો-થી-લોકોના સંપર્કો વધારવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી. આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનતા, ડિજિટલ ટેકનોલોજી, શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. બંને નેતાઓએ માનવ તસ્કરી, નશીલા પદાર્થોની હેરફેર અને સાયબર છેતરપિંડી સહિત સંગઠિત ગુનાઓનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર પણ વિચાર કર્યો. આ ઉપરાંત, વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને BIMSTEC, ASEAN અને મેકોંગ ગંગા સહયોગ સહિત પ્રાદેશિક અને બહુપક્ષીય મંચો પર ક્રિયાપ્રતિક્રિયા વધારવાના પગલાંની પણ ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી મોદી અને શ્રી શિનોવાત્રાની હાજરીમાં ભારત-થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી પર સંયુક્ત ઘોષણાપત્રનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું. હાથશાળ અને હસ્તકલા, ડિજિટલ ટેકનોલોજી, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને દરિયાઈ સહયોગના ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને નેતાઓએ ભારત-થાઇલેન્ડ દૂતાવાસ સંવાદની શરૂઆતનું સ્વાગત કર્યું. આનાથી બંને દેશોના લોકો વચ્ચે વાતચીત વધશે.
BIMSTEC સમિટ પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમની મુલાકાતના બીજા તબક્કામાં શ્રીલંકાની મુલાકાત લેશે. શ્રીલંકાની તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, તેઓ રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી શ્રી દિસાનાયકે તેમની પહેલી વિદેશ યાત્રા પર ભારત આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શ્રીલંકાની આ ચોથી મુલાકાત હશે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે, જે સમય જતાં વધુ મજબૂત બન્યા છે. ભારતની “પડોશી પ્રથમ” નીતિ હેઠળ શ્રીલંકાનું મહત્વનું સ્થાન છે.