માર્ચ 7, 2025 9:38 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે ભારત વૈશ્વિક વિકાસને આગળ વધારવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારત વૈશ્વિક વિકાસને આગળ વધારતા વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે.ભારતની સિદ્ધિઓ અને સફળતાઓએ સમગ્ર વિશ્વમાં આશાની નવી લહેર પેદા કરી છે. તેમણે કહ્યું કે, આજે આખી દુનિયા ભારતનો યુગ કહી રહી છે. નવી દિલ્હીમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજનું ભારત મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરે છે અને નોંધપાત્ર પરિણામો આપે છે. તેમણે કહ્યું, છેલ્લા દાયકામાં ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને હવે તે ઝડપથી વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, છેલ્લા દસ વર્ષમાં, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક, બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક અને ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ રાષ્ટ્ર બન્યો છે. તેમણે કહ્યું, સૌર ઉર્જા ક્ષમતાના સંદર્ભમાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ છે.અવકાશ ક્ષેત્રનું ઉદાહરણ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર પાછલા વહીવટીતંત્ર દ્વારા મૂકવામાં આવેલા અવરોધોને સતત દૂર કરી રહી છે.શ્રી મોદીએ કહ્યું કે, અવકાશ ક્ષેત્ર હવે યુવા સંશોધકો માટે ખુલ્લું મુકાઈ ગયું છે. આના પરિણામે દેશમાં 250 થી વધુ અવકાશ સ્ટાર્ટઅપ્સ કાર્યરત થયા છે.દેશના વિકાસ માટે રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વ વિશે બોલતા, પ્રધાનમંત્રીએ છેલ્લા દાયકામાં સુરક્ષા વધારવા માટે કરવામાં આવેલા નોંધપાત્ર કાર્ય વિશે વાત કરી. તેમણે કહ્યું કે, પહેલા ટેલિવિઝન ચેનલો પર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો અને સ્લીપર સેલ નેટવર્ક પર ખાસ કાર્યક્રમોના સમાચાર સામાન્ય હતા, પરંતુ આજે આવી ઘટનાઓ ટેલિવિઝન ચેનલો અને દેશમાંથી ગાયબ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં ડીબીટી દ્વારા લાભાર્થીઓના ખાતામાં 42 લાખ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે.શ્રી મોદીએ કહ્યું કે, 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ એક લાખ યુવાનોને રાજકારણમાં લાવવા માંગે છે, જેઓ પોતાના પરિવારમાં પહેલી વાર રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે.