પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેમની સરકારે ગરીબ લોકોનાં કલ્યાણ માટે અનેક પગલાં લીધાં છે, જેને કારણે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. તેમણે જણાવ્યું કે, સરકારની પ્રતિબધ્ધતા, સમર્પણ અને આકરી મહેનતને કારણે આ શક્ય બન્યું છે.
સંસદનાં સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના ભાષણની પ્રશંસા કરી હતી
શ્રી મોદીએ સરકારની અનેક યોજનાઓની સિધ્ધિઓ ગણાવતા જણાવ્યું કે, તેમની સરકાર દ્વારા ગરીબ લોકોને ચાર કરોડ ઘરો પૂરાં પાડવામાં આવ્યા છે, દેશભરમાં 12 કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જળ જીવન મિશન હેઠળ 12 કરોડ નળનાં જોડાણ આપવામાં આવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં આવકવેરામાં ઘટાડાને કારણે મધ્યવર્ગનાં લોકોની આવકમાં મોટો વધારો થયો છે. તાજેતરમાં અંદાજપત્રમાં સરકારે 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી છે, જે મધ્યમવર્ગની નાણાકીય સ્થિતિ મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓને લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવા સરકારે હંમેશા પ્રયત્ન કર્યો છે.
અગાઉ, ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું કે, દેશમાં અપાર સંભાવનાઓ અને સંસાધનો હોવા છતાં વર્તમાન સરકાર વાસ્તવિક ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે મહાકુંભ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, પ્રયાગરાજમાં ભીડને કાબુમાં લેવામાં ઉત્તરપ્રદેશ સરકાર નિષ્ફળ ગઈ છે.
અખિલ ભારતીય તૃણમુલ કોંગ્રેસના સાંસદ સૌગત રાયે જણાવ્યું કે, ઉત્પાદન ક્ષેત્રમાં ભારત અનેક દેશો કરતા પાછળ છે.
ચર્ચાના અંતમાં ગૃહે સંસદનાં સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવને ધ્વનિમતથી પસાર કર્યો હતો.