પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દેશમાં છેલ્લા દોઢ વર્ષમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.” નવી દિલ્હીથી વર્ચ્યૂઅલ માધ્યમથી 71 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂકપત્ર એનાયત કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “છેલ્લા 10 વર્ષમાં દેશના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં સરકારી નોકરી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે.”
પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, “સરકારે જાહેર કરેલીમેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અભિયાન, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને દરેક યોજના યુવાનોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે.”
શ્રી મોદીએ ઉમેર્યું કે, દેશના યુવાનોના કૌશલ્યનો યોગ્ય ઉપયોગ કરવો એ સરકારની પ્રાથમિકતા રહી છે. ગ્રામીણ ભારતમાં રોજગારી અને સ્વરોજગાર માટે નવી તકનું સર્જન થઈ રહ્યું છે. આ પ્રસંગે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, 71 હજાર નિમણૂકોમાંથી, અર્ધ-લશ્કરી દળોમાં અંદાજે 50 હજાર નિમણૂકો કરવામાં આવી છે. જ્યારે અંદાજે 21 હજાર નિમણૂકપત્ર અન્ય પછાત વર્ગ- OBC સમુદાયના લોકોને વહેંચવામાં આવ્યા હતા.