પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતના આમિર અને ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે. તેઓ કુવૈતના પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ કરશે. શ્રી મોદી ગઈકાલે કુવૈતના અમીરના આમંત્રણ પર બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુવૈતના અમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પહેલા પ્રધાનમંત્રી મોદીને બયાન પેલેસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
ગઈકાલે, શ્રી મોદીએ કુવૈત શહેરમાં એક વિશેષ કાર્યક્રમમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે કુવૈતના વિકાસ અને ભારત-કુવૈત સંબંધોને મજબૂત કરવામાં ભારતીયોએ મોટી ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રીએ આવતા મહિને આયોજિત થનારા પ્રવાસી ભારતીય દિવસ અને મહા કુંભ મેળામાં ભાગ લેવા માટે ભારતીય સમુદાયને આમંત્રણ આપ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં વિશ્વની કૌશલ્ય મૂડી બનવાની ક્ષમતા છે અને ભારત વૈશ્વિક જરૂરિયાતોને અનુરૂપ તેના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કુવૈતના ભારતીય કામદારો સાથે કરેલી મુલાકાત દરમિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કુવૈતમાં 26માં અરેબિયન ગલ્ફ કપના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.