ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવા આશાવાદી છે. પ્રધાનમંત્રીએ અમેરિકન કોંગ્રેસની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં દેખાવ બદલ પણ શ્રી ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, સમગ્ર વિશ્વ શ્રી મોદીને પ્રેમ કરે છે. ભારતને ખૂબ સરસ દેશ ગણાવતા શ્રી ટ્રમ્પે શ્રી મોદીને એક ઉમદા વ્યક્તિ ગણાવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ શ્રી મોદી અને ભારતને પોતાનાં સાચા મિત્ર માને છે. દરમિયાન, સમગ્ર વિશ્વનાં નેતાઓએ શ્રી ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ શ્રી ટ્રમ્પનાં વિજયને ઇતિહાસનું સૌથી મોટું પુનરાગમન ગણાવ્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી, યુકેના પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મેર, ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુલ મેક્રોં અને તુર્કીશ પ્રમુખ રેસેપ તૈયર અર્ડોગન ઉપરાંત ઇટાલિયન પ્રમુખ જ્યોર્જિયા મેલોનીએ પણ શ્રી ટ્રમ્પને અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.