પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતના વડોદરામાં સી-295 લશ્કરી વિમાનોના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું. તે ભારતમાં લશ્કરી વિમાનના નિર્માણ માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ અંતિમ અસેમ્બ્લી લાઇન છે.
આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સ વૈશ્વિક વિમાન નિર્માણમાં વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે આ ફેક્ટરી માત્ર ભારત-સ્પેનના સંબંધોને જ સશક્ત નથી બનાવતી પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફૉર ધ વર્લ્ડ’ના મિશનને પણ બળ આપે છે.
સરંક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની વધતી ક્ષમતાઓ વિશે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે એ દિવસો દૂર નથી જ્યારે ભારત વિશ્વ માટે પ્રવાસી વિમાનોનું ઉત્પાદન કરશે, અને ભારતના સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોનો તેમાં મોટો ફાળો હશે.
પ્રધાનમંત્રીએ દેશના સંરક્ષણ ક્ષેત્રના અભૂતપૂર્વ વિકાસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં દેશમાં લગભગ એક હજાર સંરક્ષણ સ્ટાર્ટઅપ સ્થાપવામાં આવ્યા છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન દેશની સંરક્ષણ નિકાસમાં ત્રીસ ગણો વધારો થયો છે. ભારત હવે વિશ્વના 100થી વધુ દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વડોદરામાં ઉભું કરાયેલ આ એરક્રાફ્ટ કૉમ્પલેક્સ દેશનાં યુવાનોને કૌશલ્ય તેમજ ટેક્નોલોજીની માહિતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે, સાથે જ રોજગાર માટે હજારો તકો પણ ઉભી કરશે.
આ પ્રસંગે સંબોધન કરતા સ્પેનના પ્રધાનમંત્રી પેટ્રો સાંચેઝે જણાવ્યું કે એરબસ અને ટાટા વચ્ચેની ભાગીદારી ભારતીય એરોસ્પેસની પ્રગતિમાં ફાળો આપશે. સાથે જ યુરોપિયન કંપનીઓના આગમાન માટેના દ્વાર પણ ખોલશે.
કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રીએ એક રોડ શૉ દરમિયાન વડોદરાના લોકોનું અભિવાદન ઝિલ્યૂં હતું.