ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 28, 2024 2:22 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપવામાં આવી રહી છે. વડોદરામાં સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ સાથે સંયુક્ત રીતે સી-295 સૈન્ય વિમાનના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પ્લેક્સનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે, વડોદરાના ઉત્પાદન એકમમાં બનેલા વિમાન અન્ય દેશમાં પણ મોકલવામાં આવશે અને સી-295નું ઉત્પાદન એકમ નવા ભારતને દર્શાવે છે. આ કૉમ્પ્લેક્સ ભારતમાં સૈન્ય વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પહેલી ફાઈનલ એસેમ્બલી લાઈન હશે.
આ પ્રસંગે સ્પેનના પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતને પાવરહાઉસ બનાવવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધ્યાન છે અને ભારતીય કંપનીઓ ઝડપથી વિકાસ કરી રહી છે. શ્રી સાન્ચેઝે કહ્યું કે, ભારત ઉત્પાદન કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કુશળતા અને રોજગાર સર્જન પર ભાર મૂકતા કહ્યું કે, આ વિમાન ઉત્પાદન એકમથી નવા ઉદ્યોગોને વેગ મળશે.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે, બંને નેતાઓએ હવાઈમથકથી ટાટા એરક્રાફ્ટ કૉમ્પ્લેક્સ સુધી રોડ શૉ પણ કર્યો હતો. બંને નેતાઓના સ્વાગત માટે રોડ શૉ માં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. બંને દેશના પ્રધાનમંત્રીઓએ સ્વાગત માટે રસ્તામાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું પણ આયોજન કર્યું હતું.
વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને સ્પેનની ભાગીદારી સદીઓ જૂની છે. ભારત-સ્પેન વૈશ્વિક શાંતિ પર ભાર મૂકે છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝે જણાવ્યું હતું કે, હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, લક્ષ્યોને હાંસલ કરવા માટે બંને દેશો એક છે. પ્રધાનમંત્રી મોદી બપોર પછી અમરેલીના દૂધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે અને લાઠી ખાતે ચાર હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.
આ પ્રોજેક્ટ્સમાં ભુજ-નલિયા રેલ લાઇનનાં ગેજ રૂપાંતરણનો પણ સમાવેશ થાય છે. આકાશવાણી સમાચાર સાથેની વાતમાં પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારમાં પરિવહન સસ્તું બનશે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ પ્રોજેક્ટ્માં 24 મોટાં પુલ, 254 નાના પુલ, ત્રણ રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અન્ડરબ્રિજનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.