પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, ભારતમાં અભૂતપૂર્વ સ્થિરતાનું વાતાવરણ છે. રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટના ઉદ્ઘાટન સમારોહમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત ઝડપથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સુધારાઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ ઉદ્યોગોને જણાવ્યું હતું કે ભારત અને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.
ગુજરાતનો સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ ઉત્પાદન, પર્યાવરણને અનુકૂળ વિકાસ અને ગતિશીલતા માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે. વિશ્વનો સૌથી મોટો 30-ગીગાવોટ સ્વચ્છ ઉર્જા પાર્ક કચ્છમાં વિકસાવવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે મોરબી-જામનગર-રાજકોટ ઔદ્યોગિક ક્ષેત્રને તેના વિશાળ કદ, કુશળતા અને વૈશ્વિક જોડાણોને કારણે “મીની જાપાન” તરીકે ઓળખવામાં આવે છે.
આ પરિષદનો ઉદ્દેશ્ય સૌરાષ્ટ્ર અને કચ્છના બાર પશ્ચિમી જિલ્લાઓમાં રોકાણ, નવીનતા અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં 13 ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોનું વર્ચ્યુઅલી શુભારંભ કર્યો અને રાજકોટમાં એક વિશિષ્ટ તબીબી ઉપકરણ પાર્કનું ઉદ્ઘાટન કર્યું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરતા કહ્યું કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં દેશ આજે જેટલો આશાવાદી અને ગતિશીલ છે તેટલો ક્યારેય નહોતો.
વેલસ્પન વર્લ્ડના ચેરમેન બાલકૃષ્ણ ગોપીરામ ગોયેન્કાએ જણાવ્યું હતું કે કચ્છ વિશ્વની સૌથી મોટી હોમ ટેક્સટાઇલ કંપનીના કેન્દ્ર તરીકે જાણીતું બનશે. તેમણે ગુજરાતના ચહેરાને બદલવામાં પ્રધાનમંત્રીના પ્રયાસો, દ્રષ્ટિકોણ અને નેતૃત્વની પ્રશંસા કરી.
અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે આ પરિષદ કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે એક મંચ તરીકે સેવા આપે છે, જેમાં મોરબીમાં સિરામિક્સ, રાજકોટમાં એન્જિનિયરિંગ અને દરિયાકાંઠે વ્યાપક બંદર અને લોજિસ્ટિક્સ નેટવર્ક જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બે દિવસીય કાર્યક્રમ દરમિયાન 1 હજાર 500થી વધુ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
અગાઉ, શ્રી મોદીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું. 18 હજાર ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું, આ ભવ્ય પ્રદર્શન વિકાસ અને નવીનતાનું જીવંત પ્રદર્શન છે. કૃષિ, ખાદ્ય પ્રક્રિયા, મત્સ્યઉદ્યોગ અને સંરક્ષણ, તેમજ ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને લોજિસ્ટિક્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં તેમની અદ્યતન ક્ષમતાઓ દર્શાવવા માટે 400 થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે.