પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. આ દરમિયાન, તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વ સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી મોદી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2026ની ગુજરાતની આ પ્રથમ મુલાકાત સંસ્કૃતિ, અર્થતંત્ર, શહેરી વિકાસ અને વૈશ્વિક સંબંધો જેવા અનેક મોરચે મહત્વની છે. પ્રભાસ પાટણ ખાતે આયોજિત ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતની એ અજય ચેતનાનું પ્રતીક છે, જે વર્ષ 1026માં સોમનાથ મંદિર પર થયેલા પહેલા વિદેશી આક્રમણ પછી પણ ક્યારેય ડગી નથી. આ ઉજવણીમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવવા અને તેને ઉજવવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આર્થિક મોરચે પ્રધાનમંત્રી રાજકોટમાં બીજા વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનું ઉદ્ઘાટન કરશે. પશ્ચિમ ગુજરાત પ્રદેશને સમર્પિત આ પરિષદ સિરામિક, એન્જિનિયરિંગ અને ગ્રીન એનર્જી જેવા મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત હશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2 ના સેક્ટર-10A થી મહાત્મા મંદિર સુધીના બાકી રહેલા રૂટનું ઉદ્ઘાટન કરશે.મુલાકાતના અંતે પ્રધાનમંત્રી ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય રાજદ્વારી બેઠક યોજશે જેમાં તેઓ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરશે. ભારત-જર્મની વ્યુહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે બંને નેતાઓ વ્યાપાર, ટેકનોલોજી અને હરિત ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Site Admin | જાન્યુઆરી 10, 2026 8:47 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે – સોમનાથ સ્વાભિમાન પર્વ સહિત અનેક વિકાસ અને રાજદ્વારી કાર્યક્રમોમાં ભાગ લેશે