જાન્યુઆરી 9, 2026 8:23 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે – શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે. તેઓ સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે. રવિવારે, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત શૌર્ય યાત્રામાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ ભાગ લેશે.
સોમનાથ સ્વાભિમાન પર્વના ઉત્સાહથી સમગ્ર સોમનાથ શહેર શિવમય થઈ ગયું છે. આ મહોત્સવ નિમિત્તે શહેરના મુખ્ય રસ્તાઓ, ચોક અને જાહેર સ્થળોને આકર્ષક લાઇટિંગ અને સુંદર સજાવટથી રોશની કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સોમનાથની પવિત્ર ભૂમિ તેની ઐતિહાસિક ભવ્યતા અને આધુનિક વૈભવનું નવું ચિત્ર રજૂ કરી રહી છે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરીએ અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝને મળશે. બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં વેપાર અને રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ગતિશીલતાના ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.