જાન્યુઆરી 9, 2026 7:15 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે – શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે. તેઓ સોમનાથ મંદિરમાં ડ્રોન શૉ પણ નિહાળશે. રવિવારે, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત શૌર્ય યાત્રામાં ભાગ લેશે. તેમજ સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ ઉપસ્થિત રહેશે. તેમના આગમન પહેલા ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દરરોજ ભક્તોની ભીડ ઉમટી રહી છે.
બીજી તરફ, ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતો સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે. સાધુ-સંતોની સોમનાથના શંખચોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાદ્ય ડમરુંના નાદનો ગુંજારવ સાંભળવા મળ્યો હતો. આ અંગે ગિરનાર તીર્થક્ષેત્રના ઇન્દ્રભારતી બાપુએ પ્રતિક્રિયા આપી.
શહેરી વહીવટી તંત્ર અને સફાઈકર્મીઓ સોમનાથમાં સ્વચ્છતાના કાર્યમાં જોડાઈ ગયા છે. વિવિધ નગરપાલિકા વિસ્તારના એક હજારથી વધુ સફાઈકર્મી સોમનાથમાં સ્વચ્છતાનું કામ કરી રહ્યા છે.