ડિસેમ્બર 18, 2025 7:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશનો પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી આવવા રવાના.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમાન, ઈથોપિયા અને જૉર્ડન ત્રણ દેશનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી આવવા રવાના થયા છે. આ પહેલા ઓમાનના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીને બંને દેશના સંબંધમાં નોંધપાત્ર યોગદાન અને દૂરંદેશી નેતૃત્વ બદલ ઓમાનના સુલતાન હિશામ બિન તારિકે ઓમાનના સર્વોચ્ચ નાગરિક સન્માન “ઑર્ડર ઑફ ઓમાન” પુરસ્કારથી સન્માનિત કર્યા. પ્રધાનમંત્રીએ આ સન્માનને બંને દેશની સદીઓ જૂની મિત્રતાને સમર્પિત કરી અને તેને ભારત તથા ઓમાનની 14 લાખ જનતા વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતીક ગણાવ્યું.
અગાઉ ભારત અને ઓમાને વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી કરાર – C.E.P.A. પર હસ્તાક્ષર કરીને પોતાના દ્વિપક્ષીય આર્થિક સંબંધમાં એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી.
પ્રધાનમંત્રીએ શાહીમહલમાં સુલતાન સાથે પરસ્પર હિતના વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી અને વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજી. પ્રધાનમંત્રીએ મસ્કતમાં ભારતીય સમુદાયના સભ્યોની એક વિશાળ સભાને સંબોધતા કહ્યું, વિવિધતા ભારતીય સંસ્કૃતિનો પાયો છે અને ભારતીય મૂલ્ય લોકોને કોઈ પણ સમાજમાં એકીકૃત કરવામાં મદદ કરે છે.
ઓમાનમાં ભારતીય સમુદાય પ્રત્યે સન્માનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ લોકોના વિકાસ માટે ઓમાનના સુલતાન હિશામ બિન તારિકના સતત સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.