નવેમ્બર 15, 2025 3:11 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામમાં દર્શન કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસ દરમિયાન આજે નર્મદાના ડેડિયાપાડા પહોંચ્યા. જ્યાં પ્રધાનમંત્રીએ રોડ-શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું. ઉપસ્થિત લોકોએ પણ પુષ્પવર્ષા કરી પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ ભગવાન બિરસામુંડાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી.
આ પહેલા શ્રી મોદીએ સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામમાં દર્શન કર્યા. તેમજ પરંપરાગત રીતે માતાજીની પૂજા-અર્ચના કરી. દેવમોગરી ધામ ખાતે આદિજાતિ સમાજનાં કુળદેવી પાંડોરા માતા બિરાજમાન છે. આ ધાર્મિક સ્થળ પર નર્મદા જિલ્લાનો સૌથી મોટો મેળો યોજાય છે. આ પૌરાણિક મંદિર દેવમોગરા ધામ નેપાળના પશુપતિનાથ જેવું જ બહારથી દેખાય છે. આ પહેલા નર્મદા પહોંચતા જ લોકોએ ભવ્ય સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિજાતિ સમુદાયના લોકો યાહામોગી પાંડોરીની કુળદેવી તરીકે અપાર શ્રદ્ધા-આસ્થા અને ભક્તિ સાથે પૂજા-અર્ચના કરે છે. આ પવિત્ર હેલાદાબની આદિ-અનાદી કાળથી અનેરો મહિમા રહ્યો છે.
હવે શ્રી મોદી નર્મદાના ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. તેમજ અંદાજે નવ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે પ્રધાનમંત્રી દિલ્હી જતા પહેલા સુરતમાં રહેતા બિહારના લોકો સાથે મુલાકાત કરશે. સુરત વિમાનમથક બહાર બિહારના લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે.
આ પહેલા સવારે સુરત ખાતે પ્રધાનમંત્રીનું આગમન થયું. સુરત વિમાનમથક ખાતે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ શ્રી મોદીએ સુરતમાં અંત્રોલિ ખાતે હાઇ-સ્પીડ બૂલેટ મથકનું નિરીક્ષણ કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.