નવેમ્બર 1, 2025 7:53 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એ દિવસ દૂર નથી જ્યારે છત્તીસગઢ સહિત દેશનો દરેક ભાગ માઓવાદી હિંસાથી મુક્ત થઈ જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એ દિવસ દૂર નથી જ્યારે છત્તીસગઢ સહિત દેશનો દરેક ભાગ માઓવાદી હિંસાથી મુક્ત થઈ જશે. આજે રાયપુરમાં છત્તીસગઢ રજત જયંતિની ઉજવણીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છત્તીસગઢના આદિવાસી વિસ્તારો લાંબા સમયથી માઓવાદી આતંકને કારણે રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર દેશને નક્સલવાદના ભયથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં, મોટી સંખ્યામાં માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, મુખ્ય પ્રવાહમાં જોડાયા છે અને ભારતના બંધારણને સ્વીકાર્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે, છત્તીસગઢના બસ્તર જેવા વિસ્તારોમાં, ભયને બદલે ઉજવણીનું વાતાવરણ છે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે રસ્તાઓ, ઉદ્યોગ, આરોગ્યસંભાળ અને ઉર્જા ક્ષેત્રો સાથે સંબંધિત છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, આજે છત્તીસગઢમાં લગભગ સાડા ત્રણ લાખ પરિવારોને તેમના નવા પાકા મકાનોમાં પ્રવેશ મળ્યો.
“આજે, છત્તીસગઢ રજત જયંતિની ઉજવણી દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા માટે, પ્રધાનમંત્રીએ રાજ્યના નવ જિલ્લાઓમાં ૧૨ નવા સ્ટાર્ટઅપ વિલેજ આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ બ્લોક્સ શરૂ કર્યા. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ ૩ લાખ લાભાર્થીઓને બારસો કરોડ રૂપિયાનો હપ્તો પણ જાહેર કર્યો.
છત્તીસગઢમાં આરોગ્યસંભાળ સેવાઓને પ્રોત્સાહન આપતા, પ્રધાનમંત્રીએ માનેન્દ્રગઢ, કબીરધામ, જાંજગીર-ચંપા, ગીદમ અને બિલાસપુરમાં પાંચ નવી સરકારી મેડિકલ કોલેજો અને એક સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો.
પ્રધાનમંત્રીએ લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલી લગભગ ૫૦૦ કિલોમીટર લાંબી નાગપુર-ઝારસુગુડા કુદરતી ગેસ પાઇપલાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પાઇપલાઇન છત્તીસગઢના ૧૧ જિલ્લાઓને રાષ્ટ્રીય ગેસ ગ્રીડ સાથે જોડશે.
આજે રાયપુરની તેમની એક દિવસની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ છત્તીસગઢ વિધાનસભાના નવા મકાનનું ઉદ્ઘાટન કર્યું.
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલબિહારી વાજપેયીની પ્રતિમાનો શિલાન્યાસ પણ કર્યો.
તેમણે નવા રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વતંત્રતા સંગ્રામ સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે અમારી સરકાર આદિવાસીઓના વિકાસ અને કલ્યાણ માટે પણ કામ કરી રહી છે.
અગાઉ, ‘દિલ કી બાત’ કાર્યક્રમના ભાગ રૂપે, પ્રધાનમંત્રીએ નવા રાયપુરમાં શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલમાં આશરે અઢી હજાર બાળકો સાથે વાતચીત કરી. આ બાળકોને હોસ્પિટલમાં જન્મજાત હૃદય રોગોની મફત સારવાર મળી છે. પ્રધાનમંત્રીએ નવા રાયપુરમાં બ્રહ્માકુમારી શાંતિ શિખરનું પણ ઉદ્ઘાટન કર્યું, જે આધ્યાત્મિક શિક્ષણ, શાંતિ અને ધ્યાન માટેનું આધુનિક કેન્દ્ર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.