પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી મોદી અમદાવાદના નિકોલ ખાતે એક જાહેરસભા સંબોધશે. આ દરમિયાન તેઓ મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના એક હજાર 218 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણને લગતા એક હજાર 122 કરોડના પ્રકલ્પોનું પણ શ્રી મોદી લોકાર્પણ કરશે. સાંભળીએ એક અહેવાલ…..
આ પ્રકલ્પોમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પાંચ મુખ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પોથી 4 લાખ 25 હજાર ગ્રાહકોને લાભ થશે. આ ઉપરાંત, શ્રી મોદી 96 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક ઈમારત જેમાં ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય લૅન્ડ ડેટા સ્ટોરેજ સેન્ટર અને અમદાવાદમાં સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત કરશે.
અમદાવાદ શહેરમાં આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘ખોડલધામ મેદાન, નિકોલ’ ખાતે એક જાહેરસભાનો કાર્યક્રમ યોજાશે તે દરમિયાન કેટલાક માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત કરવામાં આવે છે.
એમ.એસ.સ્કૂલ ચાર રસ્તા થઇ ભક્તિ સર્કલ સુધીનો માર્ગ, ભક્તિ સર્કલથી હરીદર્શન ચાર રસ્તા સુધીનો માર્ગ અને ઓમકાર પ્લાઝા ચાર રસ્તા થઇ દેવસ્ય સ્કુલ ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
વિઠ્ઠલપ્લાઝા ત્રણ રસ્તા થઇ, દેહગામ રિગરોડ સર્કલ થઈ દાસ્તાન સર્કલ સુધીના માર્ગનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે આ જાહેરનામાનો અમલ બપોરે 2 થી રાત્રિના 10 વાગ્યા સુધી કરવાનો રહેશે.
Site Admin | ઓગસ્ટ 24, 2025 8:05 પી એમ(PM)
પ્રધાનમંત્રી આવતીકાલે રાજ્યની બે દિવસની મુલાકાતે-અમદાવાદમાં જાહેરસભા સંબોધશે