એપ્રિલ 11, 2025 3:28 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ વારાણસીમાં 3038 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના મહેદીગંજમાં ત્રણ હજાર 880 કરોડ રૂપિયાથી વધુની 44 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓમાં માર્ગ, માળખાગત વિકાસ, વીજળી, શિક્ષણ અને પ્રવાસનનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ પોતાનાં મતવિસ્તારની 50મી મુલાકાત દરમિયાન એક જાહેર સભાને સંબોધતા શહેરના ઝડપી વિકાસ પર પ્રકાશ પાડતા કહ્યું કે કાશી હવે માત્ર પ્રાચીનતાનું પ્રતીક નથી રહ્યું પરંતુ તે ગતિશીલતાનું પણ પ્રતિક બની ગયું છે. તેમણે પ્રાચીન કાશીને આધુનિક શહેરી કેન્દ્ર બનાવનાર માળખાકીય સુવિધાઓ, ધાર્મિક પ્રવાસન અને નાગરિક સુવિધાઓની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ 70 વર્ષથી વધુ ઉંમરના ત્રણ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડ સુપ્રત કર્યા હતા. શ્રી મોદીએ ભૌગોલિક સંકેતો-જીઆઇ માટેનાં પ્રમાણપત્રો પણ સોંપ્યા હતા.
પૂર્વ ઉત્તરપ્રદેશમાં થયેલા પરિવર્તનને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, એક સમયે પૂર્વાંચલ અપૂરતી આરોગ્યસંભાળ સુવિધાથી પીડાતું હતું, પણ આજે કાશી તેની આરોગ્ય રાજધાની તરીકે ઊપસી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ગુજરાતની બનાસ ડેરી (અમૂલ) સાથે સંકળાયેલા રાજ્યના ડેરી ખેડૂતોને 106 કરોડ રૂપિયાનું બોનસ પણ ટ્રાન્સફર કર્યું હતું.