ગુજરાતના પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુઝુકીના અમદાવાદના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ ‘ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવ્યુ, અને લિથિયમ આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડના સ્વદેશી ઉત્પાદનનો આરંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે. તેમણે ઉમેર્યુ કે, આ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જાને વેગ આપશે અને કુલ ઉત્પાદનના 80 ટકા બેટરીનું ઉત્પાદન ભારતમાં થશે. તેમણે ઉમેર્યુ હતું કે હવે વિશ્વના 100થી વધુ દેશોમાં ઉપયોગમાં લેવાનારા ઈ-વ્હીકલ પર ‘મેઇડ ઇન ઇન્ડિયા’ લખ્યું હશે, જે ‘વોકલ ફોર લોકલ’ને વધુ બળ આપશે.આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ગણેશ ઉત્સવના આ ઉલ્લાસમાં આજે ભારતની મેક ઇન ઇન્ડિયાની યાત્રામાં નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના આપણા લક્ષ્યની દિશામાં આ એક મોટી છલાંગ છે. પ્રધાનમંત્રીએ આગામી વર્ષોમાં તમામ મુખ્ય ક્ષેત્રોમાં આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, અને આજના પ્રયાસો વિકસિત ભારત@2047નો પાયો મજબૂત બનાવવાની સાથે ભારત-જાપાનની મિત્રતા અતૂટ બનાવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીએ હંમેશા વિકાસ અને પ્રગતિનો માર્ગ અપનાવ્યો છે. સુઝુકી મોટર્સનું આ કદમ ગુજરાતની ઇન્ડસ્ટ્રિયલ યાત્રામાં નવો સ્વર્ણિમ અધ્યાય જોડી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસનો રાજ્યનો પ્રવાસ પૂર્ણ કરીને બપોર બાદ અમદાવાદ એરપોર્ટ પરથી પરત જવા રવાના થયાં હતાં.
Site Admin | ઓગસ્ટ 26, 2025 7:02 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ ‘ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવતા કહ્યું કે, રોકાણ ભલે વિદેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે
