ડિસેમ્બર 18, 2025 3:10 પી એમ(PM)

printer

પ્રખ્યાત શિલ્પકાર રામ વનજી સુતારનું ગત મોડી રાત્રે ઉત્તરપ્રદેશમાં નોયડાના તેમના નિવાસસ્થાને અવસાન થયું.

પ્રખ્યાત શિલ્પકાર રામ વનજી સુતારનું ગત મોડી રાત્રે ઉત્તરપ્રદેશમાં નોયડાના તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 100 વર્ષના હતા. સ્વર્ગીય રામ સુતાર ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ડિઝાઈન માટે પ્રખ્યાત હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ સુતારના અવસાન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું, તેઓ એક ઉત્કૃષ્ટ શિલ્પકાર હતા. તેમની કળાએ ભારતને કેટલાક સૌથી પ્રખ્યાત સ્મારક આપ્યા. શ્રી મોદીએ કહ્યું, રામ સુતારના કાર્યોની હંમેશા ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને સામૂહિક ભાવનાની શક્તિશાળી અભિવ્યક્તિ તરીકે પ્રશંસા કરાશે. તેમણે કહ્યું, શ્રી સુતારના કામ કલાકારો અને નાગરિકો બંનેને પ્રેરણા આપતા રહેશે.
વર્ષ 1925માં મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં જન્મેલા રામ સુતાર મુંબઈની જે.જી. સ્કૂલ ઑફ આર્ટ ઍન્ડ આર્કિટૅક્ચરના સુવર્ણ ચંદ્રક વિજેતા હતા. સંસદ પરિસરમાં ધ્યાન મુદ્રામાં બેઠેલા મહાત્મા ગાંધીજી અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રખ્યાત મૂર્તિઓ તેમને ઉત્તમ રચનાઓમાંથી એક છે. સ્વર્ગીય રામ સુતારને વર્ષ 1999માં પદ્મશ્રી અને વર્ષ 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. હાલમાં જ તેમણે રાજ્યના સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા.