પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. દેશભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે. આજે ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજનનું અનેરૂં મહત્વ છે. દેશભરના વિવિધ મંદિરોમાં દિવાળી નિમિત્તે વિશેષ શણગાર, રોશની કરાયા છે. મંદિરો રોશનીથી ઝળહળી રહ્યા છે. દરમિયાન બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી લોકો નવા વસ્ત્રો, સુશોભનની ચીજવસ્તુઓ, ફટાકડાની ખરીદી કરતા જોવા મળ્યા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના સંદેશમાં કહ્યું કે, આ તહેવાર અંધકાર પર પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક છે. તેમણે દરેકને સુરક્ષિત, જવાબદાર અને પર્યાવરણને અનુકૂળ રીતે દિવાળી ઉજવવા વિનંતી કરી.ઉપરાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણને દેવી લક્ષ્મી દરેક પર શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં, દિવાળીનો તહેવાર તમામ નાગરિકોના જીવનને સદ્ભાવના, ખુશી અને સમૃદ્ધિના પ્રકાશથી પ્રકાશિત કરે અને સમગ્ર દેશમાં સકારાત્મકતાની ભાવના ફેલાય તેવી શુભેચ્છા પાઠવી છે.દરમિયાન, દિલ્હી પોલીસે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુખ્ય બજારો, ભીડભાડવાળા જાહેર સ્થળો અને વ્યાપારી કેન્દ્રો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હીની મુખ્ય હોસ્પિટલોમાં દાઝી ગયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર માટે વ્યાપક તૈયારીઓ કરી છે.દિલ્હી ફાયર વિભાગ દ્વારા 24 રેપિડ રિસ્પોન્સ વાહનો સહિત ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા છે. ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ સાથે વાત કરતા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એ.કે. મલિકે જણાવ્યું કે, દિલ્હીના લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, દિલ્હી ફાયર સર્વિસ સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરી રહી છે અને તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 20, 2025 9:22 એ એમ (AM)
પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી
