પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહનું નિધન : સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે, ડૉ. સિંહના નિધન અંગે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.
પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહનું ગઈકાલે નવી દિલ્હીમાં નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરે બેભાન થઈ જતાં તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા. ગઇકાલે રાત્રે નવ વાગીને 51 મિનિટે AIIMSએ તેમનું નિધન થયું હોવાનું જાહેર કર્યું હતું. તેમની તબિયત કેટલાક મહિનાઓથી ખરાબ હતી. તેમના પરિવારમાં તેમની પત્ની ગુરુશરણ કૌર અને ત્રણ પુત્રીઓ છે.
મનમોહન સિંહ પી.વી. નરસિમ્હા રાવ સરકારમાં કેન્દ્રીય નાણામંત્રી હતા. તેમને 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણના યુગના પ્રણેતા માનવામાં આવે છે. તેઓ 2004 થી 2014 સુધી સરકારમાં બે વખત પ્રધાનમંત્રી તરીકે રહ્યા. તેઓ ભારતના તેરમા પ્રધાનમંત્રી હતા. તેઓ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા બાદ આ વર્ષે એપ્રિલમાં ગૃહમાંથી નિવૃત્ત થયા હતા. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ રાજ્યમાં થયો હતો.
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. દરમ્યાન કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે સવારે 11 વાગે મળશે.