ડિસેમ્બર 4, 2025 9:32 એ એમ (AM)

printer

પૂનમની ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણનો નજારો નિહાળવા મુખ્યમંત્રી આજે સાંજે ધોરડોની મુલાકાતે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવની મુલાકાત લેશે. તેઓ પૂનમની ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણને નિહાળવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પૂનમની અનોખી ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણનો ભવ્ય નજારો નિહાળવા ધોરડોની મુલાકાતે આવશે. તેઓ સાંજે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.ઉલ્લેખનીય છે કે, આ વખતે પ્રવાસીઓ માટે ગત 23 નવેમ્બરથી સફેદ રણ ખુલ્લો મુકાયો છે. ચાલુ સીઝનમાં આજે પ્રથમ ફુલમુન હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ રણની ચાંદની માણવા માટે ઉમટી રહ્યા છે.સરહદી જિલ્લો કચ્છ પ્રવાસન ક્ષેત્રે હવે વિશ્વ ફલક પર પહોંચ્યું છે. રાષ્ટ્ર સંઘના વિશ્વ પર્યટન સંગઠન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવેલ ધોરડોના સફેદ રણમાં ૪ મહિના સુધી ચાલતો રણોત્સવ એ દેશ-વિદેશના પ્રવાસીઓમાં ખૂબ જ પ્રિય ઉત્સવ બની ગયો છે. રણોત્સવમાં કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ અને પરંપરાનો વિશિષ્ટ સંગમ જોવા મળે છે. જેમાં કચ્છની ઓળખ એવા ભૂંગાઓ ધરાવતી વિશાળ ટેન્ટ સિટી, સફેદ રણમાં ઊંટ સવારી, કચ્છની સંસ્કૃતિની ઝાંખી કરાવતા પ્રદર્શનો, સ્થાનિક લોકનૃત્યો અને હેન્ડિક્રાફ્ટ બજાર, એ મુખ્ય આકર્ષણો છે. સફેદ રણના સથવારે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયનો પ્રાકૃતિક નજારો અને પૂનમની રાતે સોળે કળાએ ખીલેલા ચંદ્રમાની ચાંદનીનો લ્હાવો જીંદગીભરનું સંભારણું બની રહે છે.રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સુવિધા માટે ગુજરાત પ્રવાસન વિભાગ, જીલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આમ, રણોત્સવ એ કચ્છના સાંસ્કૃતિક રંગો અને કચ્છી માડુની ખુમારીને પ્રતિબિંબિત કરે જ છે. તો વળી, તે કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક-પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર પણ બન્યો છે.