નવેમ્બર 24, 2025 7:51 પી એમ(PM)

printer

પીઢ અભિનેતા અને પદ્મ ભૂષણ ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન

હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બિમાર રહેલા સ્વર્ગીય ધર્મેન્દ્રએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આ મહિનાની શરૂઆતમાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હિન્દી સિનેમામાં હી મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રએ આજે આ દુનિયાથી વિદાય લીધી છે. પંજાબમાં તેમની સાધારણ શરૂઆતથી લઇને સુપ્રસિદ્ધ અભિનેતા બનવા સુધી, ધર્મેન્દ્રનું જીવન જુસ્સા અને સિનેમાથી ભરેલું હતું.
વર્ષ 1935માં જન્મેલા ધર્મેન્દ્રએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે “થી કરી હતી. ત્યારબાદ ‘શોલે”, ‘સત્યકામ “,’ ચુપકે ચુપકે”, ‘ગુલામી “,’ મેરા ગાંવ મેરા દેશ”, ‘નૌકાર બીવી કા “,’ આઈ મિલન કી બેલા”, ‘પ્રતિજ્ઞા “,’ ધરમવીર”, યાદો કી બારાત જેવી ફિલ્મોમાં તેમણે શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.
છ દાયકાથી પણ વધુની કારકિર્દીમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, 70ના દાયકામાં સ્વર્ગીય ધર્મેન્દ્રને વિશ્વના સૌથી આકર્ષક પુરુષોમાંના એક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
વર્ષ 2012માં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમણે અભિનયથી અને જીવન પ્રત્યેના ઉત્સાહથી લોકોનું દિલ જીતી લીધું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વર્ગીય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલી આપી.