મે 19, 2025 1:51 પી એમ(PM)

printer

પાકિસ્તાન સાથેની તંગદિલીને પગલે બીસીસીઆઇનો પુરુષોનાં એશિયા કપ સહિતની બે સ્પર્ધામાં ભાગ નહીં લેવાનો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બે મુખ્ય સ્પર્ધાઓમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. ભારત હવે આગામી મહિને શ્રીલંકામાં યોજાનાર વિમેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનાર મેન્સ એશિયા કપમાં નહીં રમે.
આ સાથે, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાતા એશિયા કપ પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. ભારતનાં આ નિર્ણયથી પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નક્વીનાં વડપણ હેઠળની એસીસી માટે મોટો પડકાર ઊભો થયો છે.
એશિયા કપમાં ભારતની ગેરહાજરીથી સ્પર્ધા પર અનિશ્ચિતતા સર્જાઈ છે કારણ કે, આર્થિક કમાણી માટે ભારતની હાજરી ખૂબ મહત્વની છે. સ્પર્ધાની મોટાં ભાગનાં પ્રાયોજકો ભારતનાં હોય છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેની પરંપરાગત હરિફાઇ પ્રસારણકર્તાઓને લાભ કરે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીથી એશિયા કપમાં વિધ્ન આવ્યું હોય તેવું આ પ્રથમ વાર નથી બન્યું. 2023માં પાકિસ્તાનનાં યજમાનપદે એશિયા કપ રમાવાનો હતો ત્યારે ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ફાઇનલ સહિતની ભારતની મેચો શ્રીલંકામાં રમાડવામાં આવી હતી.