મે 11, 2025 9:15 એ એમ (AM)

printer

પાકિસ્તાને ભારત સાથેની યુધ્ધ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, પાકિસ્તાને ગઈકાલે થયેલી યુધ્ધ વિરામ સમજૂતીનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. નવી દિલ્હીમાં ગઈકાલે પત્રકારોને માહિતી આપતા શ્રી મિસરીએ જણાવ્યું કે, સશસ્ત્ર દળો આ ઉલ્લંઘનોનો પૂરતો અને યોગ્ય જવાબ આપી રહ્યા છે અને આ ઉલ્લંઘનની ભારતે ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. ભારતે પાકિસ્તાનને આ ઉલ્લંઘન અટકાવવા અને પરિસ્થિતિનો ગંભીરતા અને જવાબદારી સાથે સામનો કરવા માટે યોગ્ય પગલાં લેવા માગણી કરી છે. શ્રી મિસરીએ જણાવ્યું કે, સશસ્ત્ર દળો પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે. મેજર જનરલ બિપિન બક્ષીએ જણાવ્યું કે,પાકિસ્તાન તરફથી થનારા કોઇપણ હૂમલાનો જડબાતોડ જવાબ અપાશે.અગાઉ, ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, જેમાં તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ગઈકાલે યુદ્ધવિરામની હાકલ કરી હતી, જેના પગલે ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધી વાતચીત બાદ લેવામાં આવ્યો હતો.