માર્ચ 28, 2025 2:25 પી એમ(PM)

printer

પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ભારત નજીકથી નજર રાખી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવી રહ્યું હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે લોકસભામાં જણાવ્યું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ભારત નજીકથી નજર રાખે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવે છે. લોકસભામાં એક સવાલના જવાબમાં ડૉ. જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતીય પ્રતિનિધિએ તાજેતરમાં ધ્યાન દોર્યું હતું કે પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં માનવાધિકારોનું હનન, લઘુમતીઓ પર અત્યાચાર અને લોકશાહી મૂલ્યોનું હનન કરવુ એ રાજ્યની નીતિઓ છે.
વિદેશ મંત્રીએ ગૃહને માહિતી આપી હતી કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં હિંદુ સમુદાય સામે અત્યાચારના 10 કેસ નોંધાયા હતા, જેમાંથી સાત અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન સાથે સંબંધિત છે, બે અપહરણ સાથે સંબંધિત છે અને એક હોળીની ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી સાથે સંબંધિત છે. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનમાં શીખ સમુદાયને લગતી ત્રણ ઘટનાઓ બની હતી.
બે કેસ અહમદિયા સમુદાયને લગતા હતા અને એક ખ્રિસ્તી સમુદાયને લગતા હતા. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ કેસોને આંતરરાષ્ટ્રીય સ્તરે લે છે. એક અન્ય સવાલના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે નવી દિલ્હી બાંગ્લાદેશમાં લઘુમતીઓની સલામતી પર પણ નજર રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2024માં લઘુમતીઓ પર હુમલાને લગતી બે હજાર 400 ઘટનાઓ અને વર્ષ 2025માં આવી 72 ઘટનાઓ બની હતી.