ભાજપે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝને મુર્શિદાબાદ હિંસા મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં શશાંક શેખર ઝા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટની દેખરેખ હેઠળ ઘટનાની તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી હતી.
દરમિયાન, ADG (પૂર્વીય કમાન્ડ) BSF, રવિ ગાંધીએ ગઈકાલે મુર્શિદાબાદના સમશેરગંજની મુલાકાત લીધી હતી અને રાજ્યના DGP રાજીવ કુમાર અને દક્ષિણ બંગાળના ADG સુપ્રતિમ સરકાર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જાંગીપુર સહિત વિવિધ જિલ્લાઓના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. એડીજીએ જણાવ્યું કે, બીએસએફ અને પોલીસ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે સંયુક્ત રીતે કામ કરશે.
અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોના મોટી સંખ્યામાં લોકોએ માલદા જિલ્લાના વૈષ્ણવનગર ખાતે રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ડૉ. સુકાંત મજુમદારે ગઈકાલે રાહત શિબિરોમાં લોકોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું, ભાજપ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં બીએસએફની હાજરી વધારવા માટે કલકત્તા હાઈકોર્ટમાં અપીલ કરશે. ગયા અઠવાડિયે, સમશેરગંજ, સુતી, જાંગીપુર અને મુર્શિદાબાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધમાં હિંસા જોવા મળી હતી.
રાજ્યમાં આવી જ એક ઘટનામાં, દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગર વિસ્તારમાં ગઈકાલે વકફ (સુધારા) કાયદા સામે હિંસક વિરોધ પ્રદર્શનો થયા. પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો, વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને આગ ચાંપી દેવામાં આવી. કાશીપુર વિસ્તારમાં ટોળાએ નવ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને તેમની બાઇકોને આગ ચાંપી દીધી. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે.
Site Admin | એપ્રિલ 15, 2025 2:00 પી એમ(PM)
પશ્ચિમ બંગાળના રાજ્યપાલને મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા મામલે હસ્તક્ષેપ કરવા ભાજપે અનુરોધ કર્યો