કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, નોન-પર્ફોમિંગ એસેટ્સનાં નીચા સ્તર અને ઊંચામૂડી પર્યાપ્તતા ગુણોત્તરને કારણે ભારતની બેન્કિંગ પ્રણાલિ મજબૂત બની છે. તેમણે ઉમેર્યું કે, નાણાકીય ક્ષેત્ર મહત્વનાં ઉદ્યોગોને જરૂરી ધિરાણ પૂરું પાડીને વૃધ્ધિ સાતત્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
અમેરિકાના ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટી ખાતે એક સત્રને સંબોધતા નાણામંત્રીએ જણાવ્યું કે, ડિજિટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને પગલે નકારાત્મક વલણો સામે ટકી રહેવાની ભારતીય અર્થતંત્રની ક્ષમતા વધુ મજબૂત બની છે. તેમણે ઉમેર્યુ કે, ભારતમાલા અને સાગરમાલા જેવા વિશાળ પ્રોજેક્ટ્સને કારણે દેશભરમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત બનતા ભારતનાં માળખાકીય વિકાસમાં તીવ્ર વધારો થયો છે. નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વૈશ્વિક જટિલ આર્થિક વાતાવરણમાં પણ ભારતનો મૂડી પાયો મજબૂત રહ્યો છે, જે ભાવિ વૃધ્ધિ માટે મજબૂત પાયાનું કામ કરે છે. ભારત હાલમાં વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર છે, જે 2013માં 10મા ક્રમે હતું.