ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 22, 2025 7:17 પી એમ(PM)

printer

નૂતન વર્ષના પ્રારંભે રાજયના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ

દેવભૂમિ દ્વારકામાં નવા વર્ષે દર્શન કરવા માટે આજે ભક્તોની અવિરત ભીડ ઉમટી રહી છે. નવા વર્ષનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી કરવાની સદીઓ જૂની પરંપરા અનુસાર દેશ-વિદેશમાંથી ભક્તો દ્વારકા ધામે આવી પહોંચ્યા છે. સવારથી જ દ્વારકાધીશના જગત મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી રહી છે.
નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને સોનાનું દાન મળ્યું. એક ભક્ત દ્વારા અંદાજે 13 લાખ રૂપિયાની કિંમતનું 100 ગ્રામ સોનાનું દાન કર્યું હતું.
સોમનાથ મહાદેવને શાંતિના પ્રદાતા અને કલ્યાણના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ દિને ભક્તોએ વ્યક્તિગત સુખ-સમૃદ્ધિની સાથે સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખની પ્રાર્થના કરી હતી. વર્ષના પ્રથમ શૃંગાર અને પ્રાતઃ આરતીના દિવ્ય દર્શન કરીને શ્રદ્ધાળુઓએ આવનારું વર્ષ શાંતિ, પ્રગતિ, સુખાકારી અને નિરામય આયુષ્ય લઈને આવે તેવી કામના કરી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે, વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રથમ દિવસે, ભક્તોનો અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતો. નવા વર્ષના મંગલ પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શિવજીને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
આ ઉપરાંત સાળંગપુર હનુમાન મંદિર, શામળાજી મંદિર, પાવાગઢ, ડાકોર, ખેડબ્રહ્મા, બહુચરાજી, વગેરે તીર્થસ્થાનોએ પણ નવા વર્ષ નિમિત્તે શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કર્યા હતા. ભૂજના સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનું આયોજન કરાયું હતું.