માર્ચ 19, 2025 7:43 પી એમ(PM) | નાસા

printer

નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા

નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન-નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસ એક્સ ક્રુ ડ્રેગન અવકાશયાન દ્વારા આજે વહેલી સવારે પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા છે. તેમનું સ્પેસ એક્સ કેપ્સ્યુલ મેક્સિકોનાં અખાતમાં ઉતર્યું હતું. આ સાથે બંને અવકાશયાત્રીઓની નવ મહિના કરતા પણ વધુ સમયની કસોટી સમાપ્ત થઈ છે. બંને અવકાશયાત્રીઓની સાથે અમેરિકાના નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોરબુનોવ પણ પૃથ્વી પર પરત ફર્યા છે.
સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરે પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કરતા 278 દિવસ વધુ એટલે કે 286 દિવસ અવકાશમાં પસાર કર્યા હતા. ચારેય અવકાશયાત્રીઓને ટેક્સાસના હ્યુસ્ટનમાં જોન્સન અવકાશ કેન્દ્ર લઈ જવામાં આવ્યા છે, જ્યાં મેડિકલ નિષ્ણાતો દ્વારા તેમની તપાસ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનીતા વિલિયમ્સ સહિતનાં અવકાશયાત્રીઓને સકુશળ પરત લાવવા બદલ નાસાની ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના લોકો અને ગુજરાતમાં સુનીતા વિલિયમ્સના પરિવારજનોએ સુનીતાના ધરતી પર સફળ આગમન બદલ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. સુનીતાના પૈતૃક ગામ ઝુલાસણમાં તેમનાં પરિવારજનોએ યજ્ઞ અને પ્રાર્થના સહિતનાં કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.