જાન્યુઆરી 18, 2026 7:19 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી વિશ્વ આર્થિક મંચ-૨૦૨૬માં સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વિકસિત ગુજરાત’નો રોડમેપ રજૂ કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ ૨૦૨૬માં ભાગ લેવા જશે.
ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત @2047’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે. ૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં શ્રી સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે.
ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે ૫૮ (58) જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન’ બેઠકો યોજશે. રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ આ મુલાકાત દરમિયાન વિશ્વની નામાંકિત કંપનીઓના વડાઓ સાથે રૂબરૂ ચર્ચા કરશે.