નવેમ્બર 26, 2025 1:59 પી એમ(PM)

printer

નવી દલ્હીના સંસદ ભવન ખાતે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી

સ્વતંત્ર ભારતમાં 1949માં આજના દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચનનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય સંસદ વિશ્વભરના ઘણા દેશો માટે એક ઉદાહરણરૂપ બની હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું કે બંધારણના નિર્માતાઓ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે બંધારણ દ્વારા લોકોના સામૂહિક અને વ્યક્તિગત ગૌરવનું રક્ષણ થાય.
આ પ્રસંગે સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે મહાન વિદ્વાનો, મુસદ્દા સમિતિ અને બંધારણ સભાના સભ્યોએ કરોડો ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સમજદાર વિચારો આપ્યા છે. શ્રી રાધાકૃષ્ણને બંધારણ ઘડનારા ડૉ. બી. આર. આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, એન. ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર અને અન્યોને પણ શ્રદ્ધાંજલિ આપી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી અને બંધારણ સભાના તમામ સભ્યો સાથે તેમને બંધારણના ઘડવૈયા તરીકે બિરદાવ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામી સહિત નવ ભાષાઓમાં બંધારણના અનુવાદિત સંસ્કરણનું વિમોચન કર્યું.