નમો લક્ષ્મી યોજના’ હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ વિદ્યાર્થીનીઓને 138 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
આ યોજના હેઠળ ચાર વર્ષ દરમિયાન ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થીનીઓને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ વર્ષના બજેટમાં આ યોજના માટે 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત તેમજ કેન્દ્રીય શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આ યોજના માટે અરજી કરી શકે છે. જે માટે શાળામાં ધોરણ 8 પૂરું કરી અને ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ તેમજ પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.
રાજ્ય સરકારે આર્થિક કારણોસર પ્રાથમિક શિક્ષણ પછી અભ્યાસ છોડનાર, વિદ્યાર્થિનીઓનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવાના હેતુથી નમો લક્ષ્મી યોજના’ શરૂ કરી છે.
આ તમામ પાત્રતા ધરાવતી વિદ્યાર્થિનીઓને ધોરણ 9 અને 10 પૂર્ણ કરવા પર 20 હજાર રૂપિયા આપવામાં આવશે. ધોરણ 12 પાસ થતાં ત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જોગવાઈ છે. આ રીતે વિદ્યાર્થિનીઓને ચાર વર્ષમાં પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ માટે સરકારે ‘નમો લક્ષ્મી પોર્ટલ’ શરૂ કર્યું છે.