પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસની બે દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રીએ તેમના પ્રસ્થાન નિવેદનમાં કહ્યું, મોરેશિયસ એક નજીકનો દરિયાઈ પાડોશી, હિંદ મહાસાગરમાં એક મુખ્ય ભાગીદાર અને આફ્રિકન ખંડનું પ્રવેશદ્વાર છે. શ્રી મોદીએ કહ્યું, બંને રાષ્ટ્રો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છે અને પરસ્પર વિશ્વાસ, લોકશાહીના મૂલ્યોનું જતન અને વૈવિધ્યસભર ઉજવણી બંને દેશોની શક્તિઓ છે. પ્રધાનમંત્રીએ કહ્યું, તેઓ મોરેશિયસના નેતૃત્વ સાથેના સંબંધોને વધુ ઉષ્માસભર બનાવવા આતુર છે. સુદ્રઢ સંબંધો દ્વારા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ તેમજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે સ્થાયી મિત્રતાને મજબૂત બનાવશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ મુલાકાત ભારત અને મોરેશિયસ સંબંધોમાં એક નવો અને તેજસ્વી અધ્યાય શરૂ કરશે તેવી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી.આજની તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી સર સીવુસાગુર રામગુલામ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લેશે અને સર સીવુસાગુર રામગુલામ અને સર અનરુદ જુગનાથને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ આ સંકુલમાં વૃક્ષારોપણ પણ કરશે. આ પછી, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ધર્મ ગોકુલને મળશે. શ્રી મોદી આજે સાંજે મોરેશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકોને સંબોધશે. બાદમાં, શ્રી મોદી તેમના મોરેશિયસ સમકક્ષ નવીન ચંદ્ર રામગુલામને મળશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડીની ઉજવણીમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન દરિયાઈ સુરક્ષા, ક્ષમતા નિર્માણ અને વેપાર જેવા ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
Site Admin | માર્ચ 11, 2025 9:32 એ એમ (AM)
દ્વિપક્ષિય સંબંધોને નવો ઓપ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસની બે દિવસની મુલાકાતે.
