વિશ્વ મંચ પર યોગને પ્રોત્સાહન આપવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે વૈશ્વિક સમુદાય હવે યોગ પ્રત્યે વધુ આદર ધરાવે છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ આજે દહેરાદૂનમાં પોલીસ લાઇન્સ ખાતે આયોજિત યોગ શિબિરને સંબોધિત કરી રહ્યા હતા.
રાષ્ટ્રપતિએ ભાર મુકતા કહ્યું કે યોગ માત્ર કસરતનો એક પ્રકાર નથી પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો આધાર છે. તેમણે રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.
૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, કેન્દ્રીય મંત્રીઓ, નેતાઓ અને અધિકારીઓએ દિલ્હીમાં યોગ પ્રેમીઓ સાથે યોગ કર્યા અને સ્વાસ્થ્ય અને ધ્યાનના મહત્વ પર ભાર મૂક્યો. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી નડ્ડાએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોગ કર્યો.
મધ્યપ્રદેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. ભોપાલમાં અટલ પથ પર રાજ્ય મહિલા યોગાભ્યાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, કેન્દ્રીય આદિવાસી બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકે અને લોકસભા સાંસદ વીડી શર્માએ આ અભ્યાસમાં ભાગ લીધો.
કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે ગોવાના ચર્ચ ગ્રાઉન્ડમાં યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે તાલીગાવ સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું.
તામિલનાડુમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું છે કે પ્રધાનમંત્રીના પ્રયાસોને કારણે યોગને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી છે.
લદ્દાખમાં, આજે કારગિલના ખ્રી સુલતાન ચૂ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે કારગિલના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર ડૉ. મોહમ્મદ જાફર અખુનની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. પંજાબમાં, ડૉ. બી.આર. આંબેડકર સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, મોહાલીએ આજે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ નિમિત્તે આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો દ્વારા સૌથી મોટા યોગ સત્ર માટે એશિયા બુક ઑફ રેકોર્ડ્સમાં એક નવું સ્થાન મેળવ્યું છે.