મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વૈશ્વિક પડકાર વચ્ચે વિકસિત ભારતના નિર્માણ પર ભાર આપ્યો. તેમણે કહ્યું, ગત 11 વર્ષમાં રાજ્યમાં સેમિ-કન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં બે હજાર 764 કિલોમીટર નવી રેલવેલાઈનનું નિર્માણ કરાયું છે. દેશની પહેલી બૂલેટ ટ્રૅન ઑગસ્ટ 2027 સુધી શરૂ થવાની સંભાવના હોવાનું પણ શ્રી વૈષ્ણવે ઉમેર્યું.
સેમિ-કન્ડક્ટર માળખાને મજબૂત કરવા 30 જાપાની રાસાયણિક અને ગૅસ કંપની ટૂંક સમયમાં રાજ્યમાં પોતાના એકમ સ્થાપિત કરશે, તેમ જણાવી શ્રી વૈષ્ણવે ઉદ્યોગ જગતને રાજ્યમાં ઝડપથી ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગમાં રોકાણ કરવા આમંત્રિત કર્યા.
આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં ગત 24 વર્ષમાં વાયબ્રન્ટ ગુજરાત રોકાણ સંમેલનના માધ્યમથી 68 અબજ 90 કરોડ ડૉલરનું રોકાણ આવ્યું છે. ગુજરાત હાલમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા અને દેશની નિકાસમાં 27 ટકાનું યોગદાન આપી રહ્યું છે. આ પરિષદથી સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ મળી રહેશે તેવો વિશ્વાસ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો.
ઉત્તર ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારની તકને પ્રોત્સાહન આપવાના હેતુસર યોજાયેલી પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્ય સરકાર અન વિવિધ ઉદ્યોગ વચ્ચે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા.
Site Admin | ઓક્ટોબર 9, 2025 7:31 પી એમ(PM)
દેશમાં ઑગસ્ટ 2027 સુધીમાં બૂલેટ ટ્રૅન શરૂ કરવાનો લક્ષ્યાંક : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ