દેશભરમાં ગઇકાલે દિવાળીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ, ત્યારે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ તહેવાર ઉજવી રહેલા તમામને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, દિવાળી આશા, નવીકરણ અને અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા સાથે રાષ્ટ્રપ્રમુખના ખાસ દૂત સર્જિયો ગોરેએ ઇન્ડિયા હાઉસ ખાતે દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો હતો.કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નેએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતમાં સંયુક્ત આરબ અમીરાતના રાજદૂત અબ્દુલનાસેર અલશાલીએ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, દિવાળી શરૂઆતથી જ ભારતની તેમની મુલાકાતનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો હતો.બ્રિટનમાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે તેમની તાજેતરની ભારત મુલાકાતને યાદ કરી, જેમાં તેમણે ભારત પ્રત્યેના સ્નેહ અને સંબંધોને નવેસરથી શરૂ કરવાના પ્રતીક તરીકે મુંબઈમાં દીવો પ્રગટાવ્યો હતો. યુક્રેનનું વિદેશ મંત્રાલય પણ આ પ્રસંગે વૈશ્વિક સદ્ભાવનાના તહેવારમાં જોડાયું હતું.આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને સિંગાપોરના નેતાઓએ પણ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. નવી દિલ્હીમાં, ફિનલેન્ડ, ઇઝરાયલ, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુરોપિય સંઘના રાજદ્વારી મિશનના વડાઓ પણ દિવાળીની ઉજવણીમાં જોડાયા હતા.
Site Admin | ઓક્ટોબર 21, 2025 9:27 એ એમ (AM)
દેશભરમાં દિવાળીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ – વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી
