પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશ અને વિદેશમાં યુવાનો માટે નવી તકો ઊભી કરવા માટે પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારત અનેક દેશો સાથે વેપાર, ગતિશીલતા કરારો પર હસ્તાક્ષર કરી રહ્યું છે જે દેશના કુશળ યુવાનો માટે તકો પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીથી 18મા રાષ્ટ્રીય રોજગાર મેળાને વર્ચ્યુઅલી સંબોધન કરતી વખતે આ વાત કહી હતી.
દેશની મજબૂત અર્થવ્યવસ્થા પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ કહ્યું કે તે વિશ્વનું એકમાત્ર અર્થતંત્ર છે જેણે એક દાયકામાં તેનો GDP બમણો કર્યો છે.
૨૪ જાન્યુઆરીના મહત્વ વિશે વાત કરતાં, શ્રી મોદીએ કહ્યું કે, આ એ દિવસ છે જ્યારે બંધારણે જન ગણ મનને રાષ્ટ્રગાન તરીકે અને વંદે માતરમને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. રોજગાર મેળા વિશે વાત કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે, રોજગાર મેળો એક સંસ્થા બની ગયો છે અને લાખો યુવાનોને અત્યાર સુધીમાં વિવિધ સરકારી વિભાગો તરફથી નિમણૂક પત્રો મળી ચૂક્યા છે. તેમણે ઉમેર્યુ હતુંકે દેશ વિકસિત ભારતના સર્જન માટે કટિબધ્ધ છે.
આ કાર્યક્રમ દરમિયાન, રોજગાર મેળા પહેલ હેઠળ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં ૬૧ હજારથી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૮મો રોજગાર મેળો દેશભરમાં ૪૫ સ્થળોએ યોજવામાં આવ્યો હતો. નવા ભરતી થયેલા ઉમેદવારો વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે.