દિવાળી અને છઠ તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે ભારતીય રેલવે સંપૂર્ણ રીતે તૈયાર છે. તહેવારોની ભીડને જોતા ભારતીય રેલવે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટનાથી બચવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. રેલવે સલામતી દળ– R.P.F.એ લાખો મુસાફરોને સલામત ટ્રેન યાત્રા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય સલામતી વ્યવસ્થા કરી છે.
દિવાળી અને છઠ તહેવારને ધ્યાનમાં રાખી ભારતીય રેલવે 7 હજાર 296 વિશેષ ટ્રેન દોડાવી રહી છે. જોકે, ગયા વર્ષે 4 હજાર 500 વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી. 29 ઑક્ટોબરે રેલવેએ 136, 30 ઑક્ટોબરે 164 વિશેષ ટ્રેન દોડાવી હતી.
R.P.F.ના મહાનિદેશક મનોજ યાદવે મુસાફરોને સાવચેત રહેવા અને સલામત યાત્રા સુનિશ્ચિત કરવામાં R.P.F.ને સહકાર આપવાનો આગ્રહ કર્યો છે. મુસાફરોને જોખમી અને જ્વલનશીલ કે શંકાસ્પદ વસ્તુઓની માહિતી તાત્કાલિક રેલવે અધિકારીઓને આપવા પણઆગ્રહ કર્યો છે. મુસાફરો રેલ મદદ વેબ-પૉર્ટલ અથવા તો મૉબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કોઈ પણ ફરિયાદ નોંધાવી શકે છે. ઉપરાંત 139 હેલ્પલાઈન નંબર પણ ડાયલ કરી શકે છે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 9:48 એ એમ (AM)
દિવાળી અને છઠ તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોની સલામતી માટે ભારતીય રેલવે સંપૂર્ણ રીતે સજ્જ
